car falls into canal in surat: સુરત નજીક પાણીથી છલોછલ ભરેલી કેનાલમાં ખાબકી કાર, પાંચ લોકોનો ચમત્કારિક બચાવ – car falls into canal near surat five rescued by police and fire brigade

0


હાઈલાઈટ્સ:

  • પુલ નીચે ટેકો લઈ ઉભા રહેલા પરિવારે મદદ માટે બૂમો પાડી, પરંતુ કોઈ ના આવ્યું
  • બ્રિજના લેવલથી માત્ર એક જ ફુટ નીચે હતું પાણી, જ્યાં પાંચેય શ્વાસ લેતા રહ્યા
  • આખરે વોટ્સએપથી એક પરિચિતનો સંપર્ક થયા બાદ બે કલાકે મદદ પહોંચી

સુરત: સિલવાસાના એક પરિવારની ગાડી કેનાલમાં ખાબક્યા બાદ પણ તેમાં સવાર ચાર મહિલા અને એક પુરુષનો ચમત્કારિક બચાવ થયો છે. મંગળવારે વહેલી સવારના અંધારામાં બનેલી આ ઘટનામાં ગાડી કેનાલમાં પડ્યા બાદ તેમાં સવાર પાંચેય લોકો બ્રિજ વચ્ચેની એક ફુટ જેટલી જગ્યામાં શ્વાસ લેતા રહ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવાર કેનાલમાં ફસાયેલો હતો ત્યારે પાણી પણ ભરપૂર પ્રેશરમાં વહી રહ્યું હતું.

બે કલાક સુધી આ પરિવાર કેનાલમાં ફસાયેલો રહ્યા બાદ આખરે સુરત ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડે અઝીમ ખાન (ઉ. 50 વર્ષ), સુમાનિયા (ઉં. 42 વર્ષ), આલિયા (ઉં. 21 વર્ષ), ફાહિમા (ઉં. 18 વર્ષ)ને બચાવી લીધા હતા. આ તમામ સિલવાસાના રહેવાસી છે. અકસ્માતનો ભોગ બનનારો પરિવાર અંકલેશ્વરથી સિલવાસા પરત જઈ રહ્યો હતો.

સુરત પાસે કેનાલમાં પડી કાર, પાંચ લોકોનો થયો ચમત્કારિક બચાવ

અઝીમભાઈ જૂની કાપોદરા પોલીસ ચોકી નજીક સર્વિસ રોડ પર કાર ચલાવી રહ્યા હતા. જોકે, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સર્વિસ રોડ પરથી કેનાલમાં પડી હતી. કેનાલમાં સોમવારે જ પાણી છોડવાનું શરુ કરાયું હતું. કાર તેમાં ખાબકી તે વખતે પણ પાણી પૂરજોશથી વહી રહ્યું હોવાથી કાર જોતજોતામાં જ તણાવા લાગી હતી. આખરે થોડું તણાયા બાદ ગાડી એક બ્રિજની નીચે જઈને અટકી ગઈ હતી.

શરુઆતમાં તો કારમાં ફસાયેલા લોકો દરવાજો લોક થઈ જતાં બહાર નહોતા આવી શક્યા. જોકે, થોડીવારમાં આગળનો કાચ તૂટી ગયો હતો, અને કારમાં પાણી ભરાવવાનું શરુ થઈ જતાં એક-એક કરીને તમામ લોકો બહાર આવી ગયા હતા. જેવા તમામ લોકો બહાર આવ્યા કે ગણતરીની સેકન્ડોમાં જ આખી ગાડી ડૂબી ગઈ હતી. કેનાલના 150 મીટર જેટલો ભાગ બ્રિજ આવેલો છે. જેના એક ખૂણા પર ગાડી 10 મીટર જેટલી અંદર ઘૂસી ગઈ હતી.

ગાડીમાંથી બહાર આવી ગયા બાદ તમામ લોકો કારની બોડીના સહારે પાણીના ફોર્સમાં ટકી રહ્યાં હતાં. તેમણે મદદ માટે બૂમો પાડી હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં સન્નાટો હોવાથી કોઈ તેમને મદદ નહોતી મળી શકી. આખરે તેમણે આ અકસ્માત બાદ પણ ચાલતા એકમાત્ર ફોનથી સિલવાસા રહેતા પોતાના સંબંધીને વોટ્સએપ મેસેજ કર્યો હતો. જોકે, મેસેજનો કોઈ જવાબ નહોતો આવ્યો, બીજી તરફ નોર્મલ કોલિંગ કામ ના કરતું હોવાથી તેમણે વોટ્સએપ કોલ કર્યો હતો. ફોન પર વાત થયા બાદ સિલવાસામાં રહેતા વ્યક્તિએ સુરતમાં પોતાના એક પરિચિત પાસે મદદ માગી હતી.

આખરે કેનાલ નીચે ફસાયેલા પરિવારના એક પરિચિત તાત્કાલિક કડોદરા પહોંચ્યા હતા, અને નજીકની પોલીસ ચોકીમાં જઈ ઘટના અંગે જાણ કરી હતી. જેની થોડી વારમાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી ગયા હતા. શરુઆતમાં પોલીસે કેટલાક સ્થાનિક લોકો સાથે મળીને ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ના મળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા પરિવારના સંબંધીઓ પણ સિલવાસાથી કડોદરા પહોંચી ગયા હતા. આખરે બે કલાક બાદ કેનાલની નીચેથી પાંચેય લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here