‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ..પૂરની અગમચેતી મળતા શહેરમાં માનવ જાનહાનિ અને ભારે નુકશાની ટાળી શકાઈ!!!

0

પૂરની અગમચેતી મળતા શહેરમાં માનવ જાનહાનિ અને ભારે નુકશાની ટાળી શકાઈ!!!ત્રણ હજારથી વધુ લોકોનું સમયસર સ્થળાંતર કરાયું

વલસાડ જિલ્લો ગુજરાતના પૂર અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. જિલ્લાની નદીઓમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાં થતા ભારેથી અતિભારે વરસાદ થવાને કારણે પૂર આવવાની શક્યતાઓ રહે છે. તાજેતરમાં ધરમપુરમાં તા.૧૧મી જુલાઈએ ૨૨૫ મીમી વરસાદ અને દરિયાની ભરતીના પગલે તા.૧૧મી જુલાઈ અને તા.૧૪મી જુલાઈના રોજ સવારે ૬-૦૦ વાગ્યા સુધીમાં ૩૪૦ મીમી વરસાદને કારણે તા.૧૪ જુલાઈના રોજ ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને વલસાડના નીચાણવાળા વિસ્તારો જેવા કે વલસાડ પારડીનું કાશ્મીર નગર, બરૂડિયાવાડ, ભાગડાખુર્દ, લીલાપોર, છીપવાડ દાણાબજાર વગેરે વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા. આ વર્ષે પૂરની ઈ-મેઘ સિસ્ટમ દ્વારા દિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને સમયસર પૂરની અગમચેતી મળવાથી પૂરની સ્થિતિમાં વહીવટી તંત્રએ સમયસર પગલાં લઈ પૂર અસરગ્રસ્ત થતા વિસ્તારના ૩૬૧૩ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી લીધા હતા. જેથી આ વર્ષે ઈ-મેઘ દ્વારા પૂરની આગમચેતીના પગલે વર્ષ ૨૦૧૬માં થયેલી માનવ જાનહાનિ અને ભયંકર નુકશાની ટળી હતી.  

અગાઉ વર્ષ ૨૦૧૬માં પણ ધરમપુરમાં ત્રણ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ થવાથી વલસાડ પૂરગ્રસ્ત બન્યું હતું જેના કારણે વલસાડના નગરપાલિકાના કેટલાક વિસ્તારો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ ઘરવખરી સહિત કરોડોનું નુકશાન થયું હતું. તેથી વલસાડ વહીવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૧૭માં ખેરગામ તાલુકાના ભૈરવી ગામમાં ઔરંગા નદીના પૂલ ઉપર નદીના જોખમી જળસ્તરની અગમચેતીના પગલારૂપે વહેલી ચેતવણી મળે તે માટે વોર્નિંગ ફોર ફ્લડ મેનેજમેન્ટ અંગેની ગોઠવણીના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ‘ઈ-મેઘ પ્રોજેક્ટ’ અંતર્ગત હેઝાર્ડ પ્રારંભિક ચેતવણી મોડ્યુલ (અર્લી વોર્નિંગ સિસ્ટમ) લગાવવામાં આવી હતી. આ સિસ્ટમની ગોઠવણી માટે વર્ષ ૨૦૧૯માં વલસાડ જિલ્લા કલેક્ટરને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ એક્સલન્સ ઈન ગવર્નન્સ’ એવોર્ડ એનાયત થયો હતો.

આ વિસ્તારોમાં લગાવેલા હૂટર દ્વારા નદીમાં પાણીની સપાટીમાં થતા વધારાને અનુલક્ષીને સમયાંતરે સાયરન વગાડવામાં આવે છે. જ્યારે ભૈરવી ખાતે પાણીની સપાટી ૪ થી ૪.૫ મીટર જેટલી નોંધાય ત્યારે એક વખત સાયરન વગાડવામાં આવે છે. પાંચ(૫) મીટર થતા બીજી વખત અને પાણીની સપાટી પાંચ(૫) મીટર કરતાં વધુ થાય ત્યારે આ વિસ્તારોમાં ત્રણ વખત સાયરન વગાડી પૂરના ખતરાની ચેતવણી આપી સ્થળાંતરની પ્રક્રિયા આરંભી દેવામાં આવે છે જેથી ઘરવખરી અને જાનમાલની હાનિ ટાળી શકાય છે.

                ધરમપુરમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ઔરંગા નદીનું જળસ્તર જોખમી સપાટી ૪ થી ૪.૫ મીટર કરતાં વધવા લાગે ત્યારે આ ઈ- મેઘ સિસ્ટમમાં રહેલા સેન્સર કાર્યરત થઈ જાય છે. આ સિસ્ટમ દ્વારા ભૈરવી ખાતેના પાણીની સપાટીની માહિતી દર મિનિટે-મિનિટે કોમ્યુટર અને મોબાઈલમાં મળતી રહે છે. ભયજનક સપાટી થતાં વલસાડ ખાતે ડિઝાસ્ટર કંટોલ રૂમમાં વોર્નિંગ સાયરન તેમજ અપ્લિકેશન, એસએમએસ દ્વારા સંબંધિત અધિકારીઓને વોર્નિંગ મળી જાય છે. તેથી વહીવટીતંત્ર સતર્ક થઈ સાવધાનીના પગલારૂપે શહેરના નીચાણવાળા વિસ્તારો ભાગડાખુર્દ, વલસાડ પારડી, લીલાપોર આઈટીઆઈ અને ધમડાચી ખાતે લાગાવવામાં આવેલા હૂટરને રિમોટ કંટ્રોલ દ્વારા સાયરન વાગાડી સંબંધિત અધિકારી પૂર અંગેની ચેતવણી આપે છે. હૂટરમાં વોર્નિંગ સાયરન વાગતાં જ રહેવાસીઓને એમના વિસ્તારમાં દોઢથી બે કલાકમાં પાણી ભરાવાની શક્યતા હોવાની ચેતવણી મળી જાય છે.

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here